શું આજે પાપની સમજણ ભૂલાઈ ગઈ છે?
શું આજે પાપની સમજણ ભૂલાઈ ગઈ છે?
થોડાં વર્ષો પહેલા પાદરીઓ કાનમાં પડઘા પડે એ રીતે ચર્ચમાં લોકોને ચેતવતા કે આ “સાત ગંભીર પાપ” કરતા નહિ: અહંકાર, આળસ, ઈર્ષા, કામવાસના, ક્રોધ, ખાઉધરાપણું અને લોભ. પાદરીઓ ચર્ચમાં મોટા ભાગે બધાને ચેતવતા કે એવાં પાપ કરવાથી ગંભીર પરિણામો આવશે, માટે પસ્તાવો કરો. એક લેખક કહે છે: પરંતુ ‘આજે લોકોને એવાં પાપની કંઈ પડી નથી. એ વિષે કોઈની સલાહ પણ સાંભળવી નથી. એટલે પાદરીઓ એના પર વાત કરવાને બદલે લોકોને સાંભળવું ગમે એવા વિષયો પર ઉપદેશ આપે છે.’
છાપાના અમુક લેખકોએ પણ એવું જ નોંધ કર્યું છે. નીચે આપેલા અમુક વિચારો છાપામાંથી ટાંકેલા છે:
▪ ‘લોકોને આજે પાપ, પસ્તાવો અને ઉદ્ધાર વિષે વાત કરવી પસંદ નથી. એટલે તેઓને ગમતા હોય એવા વિષયો પર પાદરીઓ ઉપદેશ આપે છે. જેમ કે, પોતાનું સ્વમાન વધારો અને પોતાનું જ ભલું જુઓ.’—સ્ટાર બીકોન, એશટાબુલા, ઓહાયો.
▪ ‘લોકોને હવે પાપ વિષે કંઈ પડી જ નથી.’—ન્યૂઝ વીક.
▪ ‘હવે અમે પૂછતા નથી કે “ઈશ્વર મારી પાસેથી શું ચાહે છે?” પણ એમ કહીએ છીએ કે “ઈશ્વર મારા માટે શું કરી શકે?”’—શિકાગો સન-ટાઈમ્સ.
આજનો સમાજ અનેક જાતિ, ધર્મ અને દેશોના લોકોથી બનેલો હોવાથી ઘણું ચલાવી લેવામાં આવે છે. અમુક લોકો માને છે કે બીજાઓનો ન્યાય કરવો એ સભ્યતા નહિ, પણ મહાપાપ ગણાય છે. એટલે તેઓ આવું વિચારે છે: ‘તમે જે માનો છો એ તમારા માટે યોગ્ય હશે. પરંતુ બીજાઓ પર કદી પોતાના વિચારો ઠોકી બેસાડવા ન જોઈએ. આજે બધા લોકો પોતપોતાની રીતે સારું શું અને ખરાબ શું એ નક્કી કરે છે, એ પ્રમાણે રહે છે. તમે એકલા જ સાચા નથી. બીજા લોકો પણ એમની રીતે સાચા છે.’
આવા વિચારોને લીધે લોકોના વિચારો પણ બદલાયા છે. આજે “પાપ” શબ્દને ભાગ્યે જ ગંભીર રીતે લેવામાં આવે છે. ઘણા લોકો માટે એ જોક્સનો વિષય બની ગયો છે. એક સમયે પરણ્યા વગર રહેતા સ્ત્રી-પુરુષને લોકો પાપી કહેતા. પણ આજે કહે છે કે, ‘તેઓ ફક્ત સાથે રહે છે.’ પહેલાં જેને “વ્યભિચાર” કહેતા, એને આજે “લફરું” કહે છે. “સજાતીય સંબંધ”ને હવે “અલગ જીવન શૈલી” કહે છે.
આપણે જોઈ શકીએ છીએ કે લોકો જેને “સામાન્ય” ગણીને સ્વીકારી લેતા, કે પછી “પાપ” ગણીને ધિક્કારતા એમાં લોકોના વિચારો બદલાઈ ગયા છે. પરંતુ શા માટે લોકોના વિચારો બદલાયા છે? શું પાપની સમજણ બદલાઈ ગઈ છે? અને પાપ વિષે જે કંઈ માનતા હોઈએ એનાથી શું કંઈ ફરક પડે છે? (w10-E 06/01)