બાઇબલ શું કહે છે?
લગ્ન પહેલાં સેક્સ
લગ્ન પહેલાં સેક્સ માણવું ખોટું છે?
‘ઈશ્વર ઇચ્છે છે કે તમે વ્યભિચારથી દૂર રહો.’—૧ થેસ્સાલોનીકી ૪:૩.
લોકો શું કહે છે?
અમુક સમાજમાં ઉંમરલાયક કુંવારી વ્યક્તિઓ પોતાની મરજીથી જાતીય સંબંધ બાંધે તો એને ચલાવી લેવામાં આવે છે. અમુક વિસ્તારમાં કુંવારા યુવાનો વચ્ચે અમુક પ્રકારના જાતીય સંબંધને ચલાવી લેવામાં આવે છે.
બાઇબલ શું કહે છે?
લગ્નસાથી સિવાય બીજાની સાથે કરવામાં આવેલા અમુક પ્રકારના જાતીય કામોને બાઇબલ “વ્યભિચાર” કહે છે. ઈશ્વર ચાહે છે કે પોતાના ભક્તો ‘વ્યભિચારથી દૂર રહે.’ (૧ થેસ્સાલોનીકી ૪:૩) બાઇબલ કહે છે કે વ્યભિચાર એ આડા સંબંધ, મેલીવિદ્યા, દારૂડિયાપણું, મૂર્તિપૂજા, ચોરી અને ખૂન જેટલું જ ગંભીર પાપ છે.—૧ કોરીંથી ૬:૯, ૧૦; પ્રકટીકરણ ૨૧:૮.
તમારા માટે એ જાણવું કેમ મહત્ત્વનું છે?
બાઇબલ ચેતવે છે કે “ઈશ્વર વ્યભિચારીઓનો ન્યાય કરશે.” (હિબ્રૂ ૧૩:૪) સૌથી મહત્ત્વનું તો, જાતીયતા વિશે યહોવા ઈશ્વરના નિયમો પાળીને આપણે તેમના માટેના પ્રેમની સાબિતી આપીએ છીએ. (૧ યોહાન ૫:૩) તેમની આજ્ઞા પાળનાર સર્વને તે આશીર્વાદ આપે છે.—યશાયા ૪૮:૧૮.
કુંવારી વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારની જાતીય લાગણી સંતોષવી ખોટું છે?
“વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, એઓનાં નામ સરખાં તમારે ન લેવાં.”—એફેસી ૫:૩.
લોકો શું કહે છે?
ઘણા માને છે કે કુંવારા લોકો જાતીય સંબંધ બાંધ્યા સિવાય જાતીય લાગણીઓ સંતોષવા કંઈ પણ કરે એમાં ખોટું નથી.
બાઇબલ શું કહે છે?
જાતીય કામોની વાત આવે ત્યારે બાઇબલ ફક્ત વ્યભિચાર જ નહિ, “અશુદ્ધતા” અને ‘કામાતુરપણા’ વિશે પણ ચેતવે છે. (૨ કોરીંથી ૧૨:૨૧) એ સ્પષ્ટ બતાવે છે કે લગ્નસાથી સિવાય બીજાની સાથે ભલેને જાતીય સંબંધ બાંધ્યો ન હોય, તોપણ જાતીય લાગણી સંતોષવાની અનેક રીતો છે જેનો ઈશ્વર ધિક્કાર કરે છે.
સેક્સ વિશે બાઇબલ શીખવે છે કે ફક્ત પતિ-પત્ની જાતીય લાગણીનો આનંદ માણી શકે છે. તેમ જ, ‘વાસનાની’ ભૂખ સંતોષવાને બાઇબલ સખત નફરત કરે છે. (૧ થેસ્સાલોનીકી ૪:૪) એનો અર્થ શું થાય? એક દાખલો લઈએ જે પુરુષ અને સ્ત્રી બંનેને લાગુ પડે છે. કોઈ સ્ત્રી કદાચ નક્કી કરે કે પોતાના પ્રેમી સાથે જાતીય સંબંધ નહિ બાંધે. પણ, તેની સાથે બીજી કોઈ રીતે છૂટછાટ લે છે. એમ કરવાથી જેનો તેઓને હક્ક નથી એ મેળવવા ચાહે છે. આમ, ‘વાસનાની’ ભૂખ સંતોષવા માટે તેઓ ગુનેગાર બને છે. બાઇબલ શીખવે છે કે એવી વાસનાને ઈશ્વર સખત ધિક્કારે છે.—એફેસી ૫:૩-૫.
વ્યભિચારથી દૂર રહેવા તમે શું કરશો?
“વ્યભિચારથી નાસો.”—૧ કોરીંથી ૬:૧૮.
તમારા માટે એ જાણવું કેમ મહત્ત્વનું છે?
બાઇબલ શીખવે છે કે લગ્ન પહેલાં જે કોઈ જાતીય સંબંધ બાંધે છે તેની ઈશ્વર સાથેની મિત્રતા ખતરામાં આવે છે.—કોલોસી ૩:૫, ૬.
બાઇબલ શું કહે છે?
એ સર્વને આજ્ઞા આપે છે કે “વ્યભિચારથી નાસો.” (૧ કોરીંથી ૬:૧૮) એનો અર્થ થાય કે જાતીય લાગણીઓ ઉશ્કેરતી કોઈ પણ બાબતોથી દરેકે દૂર રહેવું જોઈએ. (નીતિવચનો ૨૨:૩) દાખલા તરીકે, ઈશ્વરની નજરે પવિત્ર રહેવા મહત્ત્વનું છે કે, જેઓ સેક્સ વિશે ઈશ્વરના સિદ્ધાંતોને નકારે છે તેઓની સંગત ન રાખીએ. બાઇબલ ચેતવે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.”—નીતિવચનો ૧૩:૨૦.
આપણે વાસના સંતોષવાના વિચારો મનમાં ભરીશું તો, એ ખોટાં કામ કરવા દોરી જશે. (રોમનો ૮:૫, ૬) તેથી, એ ખૂબ મહત્ત્વનું છે કે જાતીય કામો ઉશ્કેરતી હોય એવી કોઈ પણ માહિતીથી દૂર રહીએ. જેમ કે, સંગીત, વીડિયો, સાહિત્ય અને બીજું કંઈ પણ. ઈશ્વર એવાં કામોને સખત નફરત કરે છે.—ગીતશાસ્ત્ર ૧૦૧:૩.