મૃત્યુ પર વિજય—કઈ રીતે?
આપણાં પ્રથમ માબાપ, આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞા તોડી, એનું પરિણામ હવે આપણી સામે છે. પાપ તેઓએ કર્યું, પણ એની અસર આપણામાં છોડી ગયા. એટલે આપણે મરીએ છીએ. પણ આવું કાયમ નહિ ચાલે.મનુષ્ય માટે ઈશ્વરનો મકસદ હજી એ જ છે, કે તે કાયમ જીવે. ઈશ્વરે એ વિશે વારંવાર બાઇબલમાં ખાતરી આપી છે.
-
‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને એમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
-
‘પ્રભુ યહોવાએ સદાને માટે મરણ રદ કર્યું છે; અને તે સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે.’—યશાયા ૨૫:૮.
-
“છેલ્લા દુશ્મન, મરણનું નામનિશાન મિટાવી દેવામાં આવશે.”—૧ કોરીંથીઓ ૧૫:૨૬.
-
“મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ.”—પ્રકટીકરણ ૨૧:૪.
ઈશ્વર કઈ રીતે ‘મરણને રદ’ કરશે? કઈ રીતે મૃત્યુ પર વિજય મેળવશે? આગળ જોઈ ગયા તેમ, બાઇબલ જણાવે છે કે ‘ન્યાયીઓ સદાકાળ રહેશે.’ પરંતુ, બાઇબલ આવું પણ જણાવે છે: ‘જે સારું જ કરે છે એવો નેક માણસ પૃથ્વી પર એકેય નથી.’ (સભાશિક્ષક ૭:૨૦) માણસ માત્ર ભૂલને પાત્ર. આપણામાં એવું કોણ છે જેનાથી ભૂલો નથી થતી? તો શું એનો એવો અર્થ થાય કે યહોવા ઈશ્વર પોતાના જ ન્યાયી ધોરણો તરફ આંખ આડા કાન કરશે? મનુષ્યો એ પ્રમાણે ન ચાલે તો એને ચલાવી લેશે, જેથી આપણે કાયમ માટે જીવી શકીએ? ના, જરાય નહિ! કેમ કે યહોવા “કદી જૂઠું બોલી શકતા નથી.” (તિતસ ૧:૨) તો પછી, ઈશ્વર કઈ રીતે મનુષ્ય માટે પોતાનો મકસદ પૂરો કરશે?
ઈશ્વરે ‘સદાને માટે મરણ રદ કર્યું છે.’—યશાયા ૨૫:૮
એક બલિદાનથી મૃત્યુ પર વિજય
મનુષ્યને મરણની જંજીરમાંથી છોડાવવા યહોવાએ એક સુંદર ગોઠવણ કરી છે. કઈ રીતે? છુટકારાની કિંમત ચૂકવીને. સજા કે કેદમાંથી છોડાવવા અથવા ઇન્સાફની માંગ પૂરી કરવા જે કે વ્યક્તિ કે વસ્તુની કિંમત ચૂકવવી પડે છે. એવું જ મરણની જંજીરમાંથી છૂટવા વિશે પણ છે. સર્વ મનુષ્યને આદમ પાસેથી વારસામાં પાપ અને મરણ મળ્યું છે. એના વિશે બાઇબલ કહે છે: “તેઓમાંનો કોઈ પોતાના ભાઈને પાપની શિક્ષામાંથી બચાવવા કિંમત ચૂકવી શકતો નથી! (માનવી જીવની કિંમત એટલી મોટી છે કે દુન્યવી સંપત્તિથી તેનો મુક્તિદંડ ચૂકવી શકાતો નથી).”—ગીતશાસ્ત્ર ૪૯:૭, ૮, IBSI.
પાપને કારણે આપણે મરીએ છીએ. એટલે, કોઈ મનુષ્ય મરે છે ત્યારે તે ફક્ત પોતાનામાં જે પાપ છે એનું પરિણામ ભોગવે છે. તે પોતાનામાં જે પાપ છે એમાંથી છૂટકારો મેળવી શકતો નથી. તે બીજાઓને પણ પાપની જંજીરોમાંથી છોડાવી શકે એમ નથી. (રોમનો ૬:૭) પાપની માફી મેળવવા આપણને એવા માણસની જરૂર હતી જેનામાં પાપનો છાંટોય ન હોય, જે પવિત્ર હોય અને જે આપણા પાપ માટે પોતાના જીવનનું બલિદાન આપી દે.—હિબ્રૂઓ ૧૦:૧-૪.
ઈશ્વરે આપણા માટે એવી જ એક ગોઠવણ કરી. તેમણે પોતાના એકના એક દીકરા ઈસુ ખ્રિસ્તને સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલ્યા. તેમનામાં પાપનો એક છાંટો પણ ન હતો! (૧ પીતર ૨:૨૨) ઈસુએ એના વિશે આમ કહ્યું કે તે ‘ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યા છે.’ (માર્ક ૧૦:૪૫) ઈસુએ આપણને મરણની જંજીરમાંથી છોડાવવા પોતાનો જીવ આપી દીધો, જેથી આપણને જીવન મળે.—યોહાન ૩:૧૬.
મૃત્યુ પર વિજય—ક્યારે?
આજે બાઇબલની આ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે: “સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે.” આપણે દુષ્ટ દુનિયાના “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ. (૨ તિમોથી ૩:૧) છેલ્લા દિવસો ક્યાં સુધી ચાલશે? બાઇબલ જણાવે છે: “ન્યાયના દિવસ સુધી તથા અધર્મી માણસોનો નાશ થાય ત્યાં સુધી.” (૨ પીતર ૩:૩, ૭) જેઓ ઈશ્વરને માર્ગે ચાલે છે, તેઓનો નાશ નહિ થાય. પણ તેઓને ‘હંમેશ માટેનું જીવન મળશે.’—માથ્થી ૨૫:૪૬.
ગુજરી ગયેલા કરોડો લોકોને પણ જીવતા કરવામાં આવશે. તેઓને પણ કાયમ માટે જીવવાની તક મળશે. ઈસુએ એની ઝલક આપી હતી. એક સમયે તે નાઈન નામના શહેરમાં હતા. ત્યારે એક વિધવાનો એકનો એક દીકરો ગુજરી ગયો. એ જોઈને ઈસુનું “હૈયું કરુણાથી ભરાઈ આવ્યું” અને તેને જીવતો કર્યો. (લુક ૭:૧૧-૧૫) ઈશ્વરની પ્રેરણાથી એક ભક્ત પાઊલે લખ્યું હતું: ‘હું ભરોસો રાખું છું કે, સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.’ મનુષ્ય માટે એ અજોડ આશા છે. એમાં ઈશ્વરનો મનુષ્ય માટે અપાર પ્રેમ દેખાઈ આવે છે!—પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫.
લાખો કરોડો લોકો માટે હવે એ દિવસો દૂર નથી, જ્યારે તેઓ મરશે જ નહિ! હા, તેઓ યુગોના યુગો સુધી જીવશે. બાઇબલ જણાવે છે: ‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને એમાં તેઓ સદાકાળ રહેશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) એ સમયે તેઓ લગભગ બે હજાર વર્ષ પહેલાં ઈશ્વરભક્ત પાઊલે લખેલા આ શબ્દોને પૂરા થતા જોશે: “ઓ મરણ, તારો વિજય ક્યાં? ઓ મરણ, તારો ડંખ ક્યાં?” (૧ કોરીંથીઓ ૧૫:૫૫) ત્યારે તેઓની ખુશીનો કોઈ પાર નહિ હોય! હા, મનુષ્યના કટ્ટર દુશ્મન મરણનું નામ-નિશાન મિટાવી દેવામાં આવશે!