પાઠ ૫૧
યહોવાને પસંદ પડે એ રીતે વાત કરો
યહોવાએ આપણને બનાવ્યા ત્યારે, તેમણે આપણને બોલવાની અનોખી ભેટ આપી. પણ શું યહોવાને આપણા શબ્દોથી અને બોલવાની રીતથી કોઈ ફરક પડે છે? હા, ચોક્કસ. (યાકૂબ ૧:૨૬ વાંચો.) તો પછી આપણી વાતો અને વાત કરવાની રીત યહોવાને પસંદ પડે, એ માટે આપણે શું કરી શકીએ?
૧. બોલવાની ભેટનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ?
બાઇબલમાં જણાવ્યું છે, “એકબીજાને ઉત્તેજન આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો.” (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૧) શું તમે કોઈને ઉત્તેજન આપી શકો? ઉત્તેજન આપવા તમે શું કરી શકો? તેને ખાતરી કરાવો કે તમને તેની ખૂબ ચિંતા છે. કદાચ તમે કહી શકો કે તમને તેની કઈ વાત ગમે છે. ઉત્તેજન આપવા માટે બાઇબલમાં ઘણી કલમો છે. વિચારો કે તમે તેને કઈ કલમ બતાવશો. યાદ રાખો, શબ્દોની સાથે સાથે બોલવાની રીત પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. એટલે હંમેશાં પ્રેમ અને નમ્રતાથી વાત કરો.—નીતિવચનો ૧૫:૧.
૨. આપણે કેવી વાતો કરવી ન જોઈએ?
બાઇબલમાં લખ્યું છે, “તમારા મોંમાંથી કોઈ પણ ખરાબ શબ્દ ન નીકળે.” (એફેસીઓ ૪:૨૯ વાંચો.) એટલે આપણે ગાળાગાળી કરવી ન જોઈએ અને કોઈને મહેણાં-ટોણાં મારવાં ન જોઈએ. કોઈનું દિલ દુભાય એવી વાતો પણ કરવી ન જોઈએ. તેમ જ, વાતવાતમાં કોઈની બૂરાઈ કે નિંદા કરવી ન જોઈએ.—નીતિવચનો ૧૬:૨૮ વાંચો.
૩. બીજાઓને ઉત્તેજન મળે એવી વાતો કરવા શું મદદ કરી શકે?
મોટા ભાગે જે હૈયામાં હોય એ જ હોઠ પર આવે છે. (લૂક ૬:૪૫) એટલે આપણે નેક, શુદ્ધ, પ્રેમાળ અને પ્રશંસાને લાયક હોય એવી સારી વાતો પર મન લગાડવું જોઈએ. (ફિલિપીઓ ૪:૮) એ માટે સમજી-વિચારીને મનોરંજન અને દોસ્તોની પસંદગી કરવી જોઈએ. (નીતિવચનો ૧૩:૨૦) એ ઉપરાંત, બોલતા પહેલાં સો વાર વિચારવું જોઈએ. એ પણ વિચારવું જોઈએ કે આપણી વાતોથી બીજાઓને કેવું લાગશે. બાઇબલમાં જણાવ્યું છે: “વગર વિચાર્યે બોલવું તલવારના ઘા જેવું છે, પણ સમજુ માણસના શબ્દો ઘા રુઝાવે છે.”—નીતિવચનો ૧૨:૧૮.
વધારે જાણો
યહોવાને પસંદ પડે અને બીજાઓને ઉત્તેજન મળે, એ રીતે વાત કરવા આપણે શું કરવું જોઈએ? ચાલો જોઈએ.
૪. જીભ પર કાબૂ રાખો
ઘણી વાર આપણે કંઈક બોલી બેસીએ અને પછી થાય કે ન બોલ્યા હોત તો સારું થાત. (યાકૂબ ૩:૨) ગલાતીઓ ૫:૨૨, ૨૩ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
-
જીભ પર કાબૂ રાખવા આ કલમમાંથી તમે કયા ગુણો કેળવવા માંગો છો? એનાથી તમને કેવી મદદ મળશે?
૧ કોરીંથીઓ ૧૫:૩૩ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
-
તમારી વાત કરવાની રીત પર દોસ્તોની અને મનોરંજનની કેવી અસર પડી શકે?
સભાશિક્ષક ૩:૧, ૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
-
કયા સંજોગોમાં ચૂપ રહેવામાં સમજદારી કહેવાશે અથવા બીજા કોઈ સમયે વાત કરવી સારું રહેશે?
૫. બીજાઓ વિશે સારું બોલો
આપણે બીજાઓની બૂરાઈ કરવી ન જોઈએ. તેઓને ઠેસ પહોંચે એવું પણ કંઈ બોલવું ન જોઈએ. એવું કઈ રીતે કરી શકીએ? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
-
વીડિયોમાં બતાવેલા ભાઈને કઈ ખરાબ આદત હતી? તે કેમ એ આદત બદલવા માંગતા હતા?
-
પોતાને બદલવા તેમણે શું કર્યું?
સભાશિક્ષક ૭:૧૬ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
-
કોઈના વિશે ખરાબ બોલતા પહેલાં આપણે શું યાદ રાખવું જોઈએ?
સભાશિક્ષક ૭:૨૧, ૨૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
-
જો કોઈએ તમને દુઃખ પહોંચાડ્યું હોય, તો નારાજ કે ગુસ્સે ન થવા એ કલમો કઈ રીતે મદદ કરી શકે?
૬. કુટુંબમાં પ્રેમથી વાત કરો
યહોવા ચાહે છે કે તમે કુટુંબ સાથે પ્રેમ અને કોમળતાથી વાત કરો. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
-
કુટુંબમાં પ્રેમથી વાત કરવા તમને શું મદદ કરી શકે?
એફેસીઓ ૪:૩૧, ૩૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
-
કુટુંબમાં પ્રેમ અને એકતા વધારવા આપણે કઈ રીતે વાત કરી શકીએ?
યહોવાએ જરાય અચકાયા વગર કહ્યું કે તે પોતાના દીકરા ઈસુને કેટલો બધો પ્રેમ કરે છે. માથ્થી ૧૭:૫ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
-
કુટુંબમાં કઈ રીતે વાત કરવી એ વિશે તમે યહોવા પાસેથી શું શીખી શકો?
અમુક લોકો કહે છે: “મારા મનમાં જે આવે એ હું બોલી નાખું છું. જો કોઈને ખોટું લાગે, તો મારે શું?”
-
શું તમને પણ એવું લાગે છે? શા માટે?
આપણે શીખી ગયા
શબ્દોમાં બહુ તાકાત છે. એ કોઈને ઉત્તેજન આપી શકે અથવા દુઃખ પહોંચાડી શકે. એટલે આપણે શું બોલીએ છીએ, ક્યારે બોલીએ છીએ અને કઈ રીતે બોલીએ છીએ, એનું ધ્યાન રાખવું જોઈએ.
તમે શું કહેશો?
-
તમારી વાતોથી બીજાઓને મદદ મળે એ માટે તમે શું કરી શકો?
-
તમારે કેવી વાતો કરવી ન જોઈએ?
-
પ્રેમથી વાત કરવા અને બીજાઓને ઉત્તેજન આપવા તમે શું કરી શકો?
વધારે માહિતી
આપણી વાતોથી બીજાઓને ઉત્તેજન મળે એ માટે શું મદદ કરી શકે?
જાણો કે તમે કઈ રીતે ખરાબ શબ્દો બોલવાનું ટાળી શકો.
કઈ રીતે બીજાઓની બૂરાઈ કરવાનું ટાળી શકીએ?
યહોવાની મદદથી કઈ રીતે એક માણસ ગાળો બોલવાની આદત છોડી શક્યો? આ લેખમાં વાંચો.
“હું વિચારવા લાગ્યો કે મારું જીવન કઈ તરફ જાય છે” (ચોકીબુરજ, ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૩)